પ્રભુજીનાં રખવાળાં
ચઢવાનું ગીત.
1હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ.
મને ક્યાંથી સહાય મળે?
2જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે,
તેમની તરફથી મને સહાય મળે છે.
3તે તારા પગને ડગવા દેશે નહિ;
જે તારું રક્ષણ કરે છે તે ઊંઘશે નહિ.
4જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે
તે કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી.
5યહોવાહ તારા રક્ષક છે;
યહોવાહ તારા જમણે હાથે તને છાયા કરશે.
6દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર
તને નુકસાન પહોંચાડશે નહિ.
7સર્વ દુઃખથી યહોવાહ તારું રક્ષણ કરશે;
તે તારા આત્માની સંભાળ રાખશે.
8હમણાંથી તે સર્વકાળ માટે
તારા સર્વ કાર્યોમાં યહોવાહ તારું રક્ષણ કરશે.