1“અયૂબ, શું તું મહાકાય સમુદ્રના પ્રાણીને માછલી પકડવાના આંકડાથી પકડી શકે છે?
શું તું તેની જીભ દોરીથી બાંધી શકશે?
2શું તેના નાકમાં નથ નાખીને તું તેને નાથી શકે છે?
તેના જડબામાં આંકડી ભરાવી શકે છે?
3શું તેને છોડી દેવા માટે તે તને કાલાવાલા કરશે?
શું તે તારી સાથે નમ્રતાથી બોલશે?
4શું તે તારી સાથે એવો કરાર કરશે કે
તે આજીવન તારો ગુલામ રહેવા સંમત થશે?
5શું તું તેની સાથે પાળેલા પક્ષીઓની જેમ રમી શકશે?
શું તું તેને દોરડેથી બાંધશે જેથી તારી નોકરાણીઓ તેની સાથે રમી શકે?
6શું તારી પાસેથી લિબ્યાથ ખરીદવા માટે વેપારીઓ કોશીશ કરશે?
તેઓ વેપારીઓની વચ્ચે તેને વહેંચી નાખશે?
7શું કાટાળું અસ્ત્રથી તેની ચામડીને છેદી શકાય?
શું અણીદાર ભાલો તેના માથામાં ભોંકી શકાય?
8“તારો હાથ તેના માથા પર મૂકશે ત્યારે જે યુદ્ધ થશે તે તને લાંબા સમય સુધી યાદ રહેશે.
તું ફરીથી એવું ક્યારેય કરશે નહિ.
9શું તને લાગે છે કે તું મહાકાય સમુદ્ર પ્રાણીને હરાવી શકશે?
ભૂલી જા! એમાં કોઇ આશા નથી.
તેને જોઇનેજ તું ગભરાઇ જઇશ.
10તેને છંછેડીને ગુસ્સે કરે
એવો હિંમતવાળો કોઇ નથી.
“તો મારી સામે કોણ ઊભો રહી શકે?
11તેની સાથે યુદ્ધ કરીને કોણ સફળ થયો છે?
આખા આકાશ તળે એવો કોઇ નથી.
12“હવે મારે, તેના પગ, મજબૂત સ્નાયુઓના સાર્મથ્ય
તથા તેના શરીરના આકર્ષક આકાર વિષે બોલવું જ જોઇએ.
13તેની ચામડીને કોઇ ભોંકી શકે તેમ નથી.
તેની ચામડી એક બખ્તર જેવી છે.
14તેનું મોઢું કોણ ઉધાડી શકે?
કારણકે તેના દાંત લોકોને બીવડાવે છે.
15મહાકાય સમુદ્ર પ્રાણીની પીઠ પર
ઢાલ સંપૂર્ણપણે બંધ છે.
16તે ઢાલો એક બીજાની એટલી નજીક છે
કે તેમની વચ્ચે હવા પણ જઇ શકતી નથી.
17તેઓ એકબીજા સાથે એવાં સજ્જડ ચોટેઁલાં હોય છે
કે તેમને કશાથી ઉખેડી શકાય નહિ.
18તે છીંકે છે ત્યારે તે વીજળી નાં ચમકારા બહાર નીકળતા હોય એવું લાગે છે.
તેની આંખો સવારના સૂરજની જેમ ચમકે છે.
19તેના મુખમાંથી અગ્નિની જવાળાઓ નીકળે છે
અને અગ્નિની ચિનગારીઓ વછૂટે છે.
20ઊકળતા ઘડા નીચેના બળતાં ખડની જેમ
મહાકાય સમુદ્ર પ્રાણીના નાકમાંથી ધુમાડા નીકળે છે.
21મહાકાય સમુદ્ર પ્રાણીના ઉચ્છવાસથી કોલસા પણ સળગી ઊઠે છે.
તેના મુખમાંથી ભડકા નીકળે છે.
22તેની ગરદનમાં બળ છે, લોકો ગભરાઇ
અને તેનાથી દૂર ભાગી જાય છે.
23તેની ચામડી પર કોઇ હળવા ચિહન નથી.
તે લોઢા જેવું કઠણ છે.
24તેનું હૃદય ખડક જેવું મજબૂત અને ઘંટીના પથ્થર જેવું સખત છે.
તેને કોઇ ડર નથી.
25તે મહાકાય સમુદ્ર પ્રાણી જ્યારે ઊભું થાય છે ત્યારે સૌથી બળવાન પણ તેનાથી ડરી જાય છે.
તે જ્યારે તેની પૂંછડી હલાવે છે ત્યારે તેઓ ભાગી જાય છે.
26મહાકાય સમુદ્ર પ્રાણીને તરવાર, ભાલો અને અણીદાર શસ્ત્ર મારવામાં આવે તો તે ફેંકાઇને પાછા આવે.
તે શસ્ત્રો તેને જરાપણ ઈજા પહોંચાડી શકે તેમ નથી.
27તેની આગળ લોખંડ ઘાસ જેવું
અને કાંસુ સડી ગયેલા લાકડા જેવું છે.
28તે તેના પર બાણના મારથી પણ ગભરાતો નથી.
પથ્થરની શિલા પણ તેને વાગીને ખરસલા ની જેમ પાછી ફરે છે.
29જ્યારે લાકડાની ડાંગો મહાકાય સમુદ્ર પ્રાણીને વાગે છે ત્યારે તેને તો તે સળીનો ટૂકડો હોય તેમ લાગે છે,
અને તેની ઉપર ફેંકેલા ભાલાને તે હસી કાઢે છે.
30તેના પેટની ચામડી પરનાં ભીંગડાઁ ઠીકરાં જેવાં કઠણ અને ધારદાર હોય છે.
તેના ચાલવાથી કાદવમાં ચાસ જેવાં નિશાન પડે છે.
31મહાકાય સમુદ્ર પ્રાણીને ઊકળતા પાણીના ઘડાની જેમ હલાવે છે.
ઊકળતા તેલની જેમ તે પરપોટો ઊડાવે છે.
32જ્યારે મહાકાય સમુદ્ર પ્રાણી તરે છે ત્યારે તે તેની પાછળ માર્ગ કરી મૂકે છે, તે પાણીને હલાવી નાખે છે.
અને પાછળ સફેદ ફીણ મૂકી દે છે.
33પૃથ્વી પર બીજું કોઇપણ પ્રાણી
તેનાં જેવું નિર્ભય સૃજાયેલુ નથી.
34તે સૌથી ગવિર્ષ્ઠ પ્રાણીની પણ ઉપેક્ષા કરે છે.
તે સર્વ ગવિર્ષ્ઠ પ્રાણીઓનો રાજા છે.
અને મેં યહોવાએ તેનું સર્જન કર્યુ છે.”