બંદીપ્રવાસીઓનું વિલાપગીત
1અમે બાબિલની નદીઓને કિનારે બેઠા
અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું,
ત્યારે અમે રડ્યા.
2ત્યાંનાં વૃક્ષો પર
અમે અમારી સિતારો લટકાવી દીધી.
3અમને બંદીવાસમાં લઈ જનારાંઓએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું,
જેઓએ અમારી મશ્કરી કરી હતી તેઓએ અમને ખુશ કરવા જણાવ્યું કે,
“સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.”
4પણ આ વિદેશી ભૂમિ પર અમે
યહોવાહનાં ગીતો કેવી રીતે ગાઈ શકીએ?
5હે યરુશાલેમ, જો હું તને ભૂલી જાઉં,
તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વીસરી જાય.
6જો હું તારા વિષે વિચાર ન કરું,
મારા મુખ્ય આનંદ કરતાં
જો હું યરુશાલેમને શ્રેષ્ઠ ન માનતો હોઉં,
તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય.
7હે યહોવાહ, અદોમીઓએ જે કર્યું
તે સંભારો, કેમ કે તેઓએ કહ્યું કે, યરુશાલેમને પાડી નાખો,
તેઓએ કહ્યું, “તેના પાયાઓને,
ઉખેડી નાખો, ઉખેડી નાખો.”
8હે નાશ પામનારી બાબિલની દીકરી,
તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે
તેવું જ વર્તન જે કોઈ તારી સાથે કરે તે આશીર્વાદિત છે.
9જે કોઈ તારાં નાના બાળકોને ખડક પર
પછાડે તે આશીર્વાદિત છે.

Notes


*137:6 137:6 હું કદી ગીત ન ગાઈ શકું