1હે યહોવા, અમારું નહિ, તમારું નામ થાઓ મહિમાવાન;
તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણા માટે સર્વ સ્તુતિ કરે.
2પ્રજાઓ શા માટે એમ પૂછે છે:
“તમારા દેવ ક્યાં છે?”
3કારણ અમારા દેવ સ્વર્ગમાઁ છે
અને તેમની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે.
4તેઓના દેવો સોના ચાંદીના જ છે;
તેઓ માણસોના હાથથી ઘડાયેલા છે.
5તેઓને મોંઢા છે છતાં બોલતાં નથી;
તેઓને આંખો છે છતાં જોઇ શકતાં નથી.
6તેઓને કાન છે છતાં સાંભળતા નથી; નાક છે,
પણ, તેઓ સૂંઘી શકતા નથી.
7તેઓને હાથ છે પણ ઉપયોગ કરતાં નથી;
તેઓને પગ છે છતાં તે ચાલી શકતા નથી.
તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતા નથી.
8જેઓ તેમને બનાવશે, અને તેઓ પર વિશ્વાસ કરશે
તેઓ બધાં જલ્દી તેમના જેવા થશે.
9હે ઇસ્રાએલ, યહોવામાં તમારો ભરોસાઓ રાખો.
તે તારો તારણહાર છે અને તે તારી ઢાલ છે.
10હે હારુનપુત્રો, યહોવામાં તમારી શ્રદ્ધા રાખો,
તે તમારો તારણહાર અને તમારી ઢાલ છે.
11હે યહોવાના ભકતો તેમનામાં તમારો વિશ્વાસ રાખો,
તે તમારા મદદગાર અને ઢાલ છે.
12યહોવાએ આપણને સંભાર્યા છે,
તે આપણને આશીર્વાદ આપશે;
ઇસ્રાએલપુત્રોને અને હારુનપુત્રોને
પણ તે આશીર્વાદ આપશે.
13હે યહોવાના ભકતો,
નાનાઁમોટાં સર્વને તે આશીર્વાદ આપશે.
14યહોવા ખચીત તમારા છોકરાંની
તથા તમારી વૃદ્ધિ કર્યા કરશે.
15હા, આકાશ અને પૃથ્વીના સર્જક;
યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે.
16આકાશો તે યહોવાનાઁ પોતાના છે,
પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.
17મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર
યહોવાના સ્તોત્ર નથી ગાઇ શકતા.
18પણ અમે આજથી
સર્વકાળપર્યંત યહોવાની સ્તુતિ કરીશું.
યહોવાની સ્તુતિ થાઓ!