ભાગ પાંયમો
(ગીત 107-150)
1યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે;
અને તેમની કૃપા સર્વકાળપર્યંત ટકે છે.
2જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ,
કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.
3પૃથ્વીના દૂર દૂરનાં ખૂણે ખૂણેથી
અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશામાંથી તેમણે પોતાના લોકોને સાથે ભેગા કર્યા.
4કેટલાંક ઉજ્જડ માગેર્ રણમાં ભટકતાં હતાં
અને તેઓને વસવા નગર ન મળ્યું.
5તેઓ ભૂખ્યા અને તરસ્યા હતાં,
અને નબળા પડી રહ્યાં હતાં.
6પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર કર્યો,
અને યહોવાએ તેઓને દુ:ખમાંથી છોડાવ્યાં.
7યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.
8દેવની કૃપા માટે તથા માનવ જાત માટે તેમણે કરેલાં અદભૂત કાર્યો
માટે માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું!
9કારણ કે તે તરસ્યા આત્માને સંતોષે છે,
અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાઁથી તૃપ્ત કરે છે.
10કારણ કે તેઓએ દેવના વચનોની સામે બંડ પોકાર્યુ હતું
તેમણે પરાત્પર દેવના બોધનો તિરસ્કાર કર્યો હતો.
11કેટલાંક લોકોને અંધારી જેલમાં સળિયા પાછળ
તાળું મારીને કેદ કરવામાં આવ્યાં હતા.
12તેઓ તેમની મુશ્કેલીઓથી
નરમ થઇ ગયાં છે.
તેઓ લથડીને નીચે પડ્યાં,
છતાં તેમને મદદ કરનાર કોઇ ન હતું.
13તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર કર્યો;
એટલે તેણે તેઓને દુ:ખમાંથી તાર્યા.
14તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી કાઢી લાવ્યાં;
અને બંધન તોડી નાખ્યાઁ.
15ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
16તેણે બંદીખાનાના પિત્તળના દરવાજા તોડી નાખ્યા
અને તેઓની લોખંડની ભૂંગળો પણ તોડી નાખી.
17મૂર્ખ લોકો પોતાના પાપથી
તથા પોતાની ભૂંડાઇથી સંકટમાં આવી પડે છે.
18સર્વ પ્રકારના ખોરાકથી, તેઓના જીવ કંટાળી જાય છે;
અને મૃત્યુ તરફ પહોંચી જાય છે.
19પોતાના સંકટોમા તેઓ યહોવાને પોકારે છે;
અને યહોવા તેઓને દુ:ખમાંથી તારે છે.
20તેઓ પોતાનું વચન મોકલીને તેમને સાજા કરે છે,
અને તેણે તેઓને દુર્દશામાંથી ઉગાર્યા છે.
21ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
22તેમને દેવને આભારસ્તુતિનાં અર્પણો આપવા દો.
યહોવાના કાર્યોને ગીતો દ્વારા પ્રગટ થવા દો.
23જે નાવિકો સમુદ્રમાં એક બાજુએથી બીજી બાજુ સુધી નૌકા વિહાર કરે છે
અને સમુદ્ર પર કૌશલ્યનું કામ કરે છે,
24તેઓ પણ દેવની કાર્યશકિત નિહાળે છે;
અને અદ્ભૂત કૃત્યો ઊંડાણોમાં જુએ છે.
25તે આજ્ઞા આપે છે તો તોફાની પવનો ચડી આવે છે;
તેથી મોજાઓ ઊંચા ઊછળે છે.
26મોજા સાથે તેઓના વહાણો ઊંચા ઊંચકાય છે;
અને પાછા ઊંડાણમાં પટકાય છે;
લાચાર સ્થિતિમાં ખલાસીઓની હિંમત ઓગળી જાય છે.
27તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે;
અને તેમ તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
28તેઓ સંકટમાં હોય ત્યારે “યહોવાને” પોકારે છે;
તે તેઓને દુ:ખમાંથી કાઢે છે.
29તેણે તોફાનને અટકાવ્યા
તથા મોજાઓને શાંત કર્યા છે.
30પછી તેઓ મહાસાગરની સ્થિરતાનો આનંદ માણે છે
અને દેવ તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
31તેમની આ કૃપા તથા માનવજાતને માટેના, તેનાં અદભૂત કાર્યો માટે;
તેઓને યહોવાનો આભાર માનવા દો.
32લોકોની સભામાં યહોવાને મોટા મનાવો;
અને વડીલોના મંડળમાં તેઓની સ્તુતિ કરો.
33તે જ્યાં નદીઓ છે ત્યાં રણ કરી દે;
અને જ્યાં ઝરા વહે છે ત્યાં તરસી ભૂમિ કરી દે.
34વળી ત્યાં વસતાં લોકોની દુષ્ટતાને કારણે,
ફળદ્રુપ ભૂમિને ખારવાળી બનાવે છે.
35વળી તે રણમાં સરોવર કરે
અને કોરી ભૂમિમાં તે ઝરણાંઓને વહેતા કરે છે
36અને ત્યાં ભૂખ્યાંજનોને વસવા લાવે છે;
જેથી તેઓ પોતાને રહેવા માટે નગર બાંધે છે.
37તેઓ ખેતરમાં વાવેતર કરે છે, અને દ્રાક્ષાવાડીઓમાઁ રોપણી કરીને;
તેઓ તેનાં ફળની ઊપજ ઉત્પન કરે છે.
38તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે;
અને ઢોર-ઢાંખર પણ વધે છે.
39પરંતુ જેમ સમય પસાર થાય છે, તેમ તેમની વસ્તી જુલમો વિપત્તિઓ
અને શોકથી ઓછી થાય છે તેમની સંખ્યામાં ઘટાડો થયો છે.
40તે અમીર ઉમરાવો ઉપર તે અપમાન લાવે છે,
અને માર્ગ વિનાના રણમાં રખડતાં કરી દે છે.
41પણ પછી દેવ તે ગરીબ લોકોને તેમનાં દુ:ખોમાંથી બહાર કાઢયા
અને તેમના કુટુંબોની સંખ્યા વધારી જે ઘેટાંના ટોળાઓની જેમ વધી હતી.
42તે જોઇને ન્યાયીઓ આનંદ પામશે;
અને સઘળાં અન્યાયીઓનાં મોઢા બંધ થશે.
43જેનામાં શાણપણ છે, તે આ બધું ધ્યાનમાં લેશે;
અને યહોવાના અવિકારી પ્રેમ વિષે વિચાર કરશે.