દાઉદનું ગીત.
1હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
હા સંપૂર્ણ હૃદયથી દેવનાં પવિત્ર નામને આશીર્વાદ આપ.
2હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કરો!
ભૂલીશ નહિ, તેઓ અદભૂતકાર્યો તારા ભલા માટે કરે છે.
3તારાં સઘળાં પાપ તે માફ કરે છે;
અને તારાં સર્વ રોગ મટાડે છે.
4અનંત નાશમાંથી તે તને છોડાવી લે છે
અને પ્રેમભરી ભલાઇ અને કૃપાથી નવાજે છે.
5તારા જીવનને તે ઉત્તમ વસ્તુઓથી ભરી દે છે;
જેથી તારી યુવાની ગરૂડની જેમ તાજી કરાય છે.
6જેઓ જુલમથી હેરાન થયેલા છે,
તે સૌને માટે એ યહોવા ન્યાયનાં કામ, ને ચુકાદા કરે છે.
7મૂસા તથા ઇસ્રાએલનાં લોકો સમક્ષ તેમણે તેમના માગોર્
અને તેમના કાર્યો પ્રગટ કર્યા હતા.
8યહોવા દયાળુ અને ક્ષમાશીલ છે.
તે દયા તથા પ્રેમથી ભરપૂર છે,
પણ તે ગુસ્સે થવામાં ધીમાં છે.
9યહોવા હંમેશા ટીકા કરતાં નથી,
અને તે કદીય સદાને માટે ગુસ્સામાં રહેતા નથી.
10તેઓ આપણા પાપ પ્રમાણે આપણી સાથે નથી ર્વત્યા.
તેમણે આપણને આપણા અન્યાયી કાર્યો પ્રમાણે શિક્ષા કરી નથી.
11કારણ તેના ભકતો પરની
તેની કૃપા જેટલું આકાશ પૃથ્વીથી ઊંચુ છે તેટલી છે.
12પૂર્વ જેટલું દૂર છે પશ્ચિમથી,
એટલાં દૂર કર્યા છે આપણાં પાપ તેમણે આપણાથી.
13જેમ પિતા પોતાના સંતાનો પર દયાળુ છે;
તેમ યહોવા પોતાના ભકતો પર દયાળુ છે.
14કારણકે તે જાણે છે બંધારણ આપણું;
માત્ર ધૂળ છીએ આપણે એવું તે સંભારે છે.
15આપણા જીવનનાં દિવસો ઘાસ જેવા છે,
અને તે ફૂલની જેમ ટૂંકા અને થોડા છે.
16પવન તેના પર થઇને વાય છે, અને તે ઊડી જાય છે;
અસ્તિત્વની નિશાની રહેતી નથી, અને તે નષ્ટ થઇ જાય છે.
17પણ યહોવાની કૃપા તેમના ભકતો પર અનાદિકાળથી તે અનંતકાળસુધી છે.
અને તે તેનું ન્યાયીપણું તેના બીજા વંશજોને સર્વદા બતાવવાનું ચાલુ રાખશે.
18જેઓ તેમનો કરાર અનુસરે છે;
અને તેમની આજ્ઞાઓનું પાલન કરે છે તે સર્વ પર તે કૃપા કરે છે.
19દેવે આકાશમાં રાજ્યાસન સ્થાપ્યું છે;
અને ત્યાંથી તે સર્વ ઉપર શાસન ચલાવે છે.
20તેમના હુકમનો અમલ કરનારાં
અને તેમની આજ્ઞાઓને સાંભળનારા તેના સમર્થ દૂતો,
તમે યહોવાને ધન્યવાદ આપો.
21હે યહોવાનાં સૈન્યો તમો બધા,
જે તેમના સેવકો છો તે જે ઇચ્છે છે તે કરો છો,
તેમની સ્તુતિ કરો!
22યહોવાનાં રાજ્યમાં સર્વત્ર તેમનાં ઉત્પન્ન કરેલા છે;
હે મારા આત્મા તેમની સ્તુતિ કર;
દેવની સ્તુતિ કર!