દેવનો રોષ અને યરૂશાલેમનો વિનાશ
1સોનું કેવું ઝાંખું પડ્યું છે,
ને કુંદન બદલાઇ ગયું છે.
પવિત્રસ્થાનના પથ્થરો શેરીઓને
ખૂણે વિખેરાઇને આમતેમ પડ્યા છે.
2સિયોનના અમૂલ્ય પુત્રો જે કુંદન જેવા છે.
તેઓ શા માટે માટીના ઘડાના મૂલમા લેખાય છે?
3શિયાળ પણ પોતાનાં બચ્ચાને
થાને વળગાડીને ધવડાવે છે
પરંતુ મારી પ્રજા વગડાના
શાહમૃગ જેવી લાગણી શૂન્ય થઇ ગઇ છે.
4તરસને કારણે બાળકોની
જીભ તાળવે ચોંટી રહે છે,
અને બાળકો ખોરાકને માટે ભીખ માંગી રહ્યા છે.
પણ તેમ છતાં કોઇ તેમને કશું પણ આપતું નથી.
5પાંચ પકવાન ખાનારા રસ્તે રઝળીને મરે છે.
રેશમી વસ્ત્રોમાં ઊછરેલાં ઉકરડે આળોટે છે.
6મારા લોકોએ સદોમ કરતા વધારે પાપ કર્યાં છે,
અને સદોમમાં તો એક જ ક્ષણમાં બધું જ નાશ પામ્યું છે;
છતાં પણ કોઇ માણસે
તેમને હાથ લગાડયો નથી.
7તેના ચુનંદા વીરો હીમ કરતાં ય સ્વચ્છ હતા,
અને દૂધ કરતાં ય ધોળા હતા.
તેમનાં શરીર પરવાળાં કરતાં ય લાલ હતાં
અને તેમની નસો નીલમણી જેવી નીલ હતી.
8પણ હાલ તેઓ રસ્તામાં પડયાં છે,
ઓળખાતા નથી.
તેમના મોંઢાકાજળથી પણ કાળા પડી ગયા છે;
તેમની ચામડી હાડકા પર ચીમળાઇ ગઇ છે
અને સુકાઇને લાકડા જેવી થઇ ગઇ છે.
9ભૂખથી મરનાર કરતાં તરવારથી
મરનાર વધારે નસીબદાર હતા;
તેમના જીવનો અન્નજળ વિના વહી ગયાં છે
કારણકે ત્યાં લણવા માટે ધાન નહોતું.
10મારી પ્રજા પર એવી આફત
ઊતરી આવી કે કોમળ હૃદયની સ્ત્રીઓએ પોતાના
પેટનાં છોકરાંને પોતાના
હાથે રાંધીને ખાવા પડ્યાં.
11યહોવાએ પૂરેપૂરો પોતાનો ક્રોધ બતાવ્યો.
અને તેમણે તેને આગની જેમ વરસાવ્યો હતો.
સિયોન નગરીમાં એવી આગ ચાંપી હતી
જે તેના પાયાને સુદ્ધાં ભરખી ગઇ.
12દુનિયાના કોઇ રાજા કે લોકોએ ધાર્યું નહોતું,
કે યરૂશાલેમના શત્રુઓ તેમના દરવાજેથી પસાર થશે.
13પણ બન્યું એમ, પ્રબોધકોના પાપે;
અને યાજકોના અન્યાયને કારણે;
તેમણે નગરમાં ન્યાયીઓનું લોહી વહાવ્યું છે.
14તેઓ શેરીએ શેરીએ આંધળાઓની જેમ ભટકયાં.
તેઓ લોહીથી એવા તો લથબથ હતા
કે કોઇ તેઓના વસ્ત્રોને અડકી શકતું નથી.
15તેઓને જ્યારે જોયા ત્યારે લોકો બૂમો પાડી ઉઠયા;
હે અશુદ્ધ લોકો, અમને અડકશો નહિ,
તેના કારણે તેઓ શહેરને છોડીને
આમતેમ ભટકવા લાગ્યાં.
રાષ્ટો વચ્ચે પણ એમ કહેવામાં આવ્યું હતું કે,
“તેઓ અમારી વચ્ચે હવે જરાપણ વધારે રહે નહિ.”
16યહોવાએ જાતે જ તેમને વેરવિખેર કરી નાખ્યા.
અને પછી તેમણે તેમના ભણી જોયું જ નહિ.
તેમણે યાજકો પ્રત્યે આદર ન દાખવ્યો
કે વડીલો પર જરાયે દયા ન રાખી.
17મદદની આશામાં સમય જોઇ જોઇ,
અમારી આંખો પણ થાકી ગઇ.
પ્રજા રક્ષકની આશાએ રાહ જોઇ રહી
પરંતુ અમને બચાવવા કોઇ ન આવ્યું.
18દુશ્મનો અમારી પાછળ પડ્યા હતાં
અને અમે રસ્તે ચાલી નહોતા શકતાં.
અમારો અંત નજીક આવ્યો હતો
અને અમારા દિવસો પૂરા થયા હતા.
19આકાશના ગરૂડ કરતાંય ઝડપથી
તેઓએ અમારો પીછો કર્યો;
પર્વતો પર પણ તેમણે અમારો પીછો કર્યો;
ને રાનમાં પણ અમારી પર તરાપ મારવા સંતાઇ ગયા.
20યહોવાથી અભિષિકત થયેલો જે અમારા માટે
નાકમાંના શ્વાસ જેટલો મહત્વપૂર્ણ હતો
તે અમારા શત્રુઓના બંદીવાસમાં બંદી થઇ પડ્યો હતો, અમે કહેતા હતા
“અમે તેની છત્રછાયામાં અમારા
શત્રુઓની વચ્ચે સુરક્ષિત છીએ.”
21અદોમના લોકો આનંદ માણો,
તમારામાંના જે ઉસ પ્રદેશમાં રહે છે
તેઓએ બતાવવું જોઇએ કે યરૂશાલેમના લોકો
જોડે જે થઇ રહ્યું છે તેનાથી ખુશ છે.
પણ દુ:ખનો પ્યાલો તમારી પર પણ આવશે ત્યારે
તમે ભાન ભૂલી જશો અને પોતાને નગ્ન કરી દેશો.
22હે સિયોન, તારાં પાપની સજા પૂરી થઇ છે.
હવે તને યહોવા દેશવટે નહિ રાખે.
હે અદોમ, યહોવા તને તારા અપરાધની સજા,
કરશે અને તારા પાપ ઉઘાડા કરશે.