જ્ઞાનનાં ગુણગાન
1“ત્યાં ચાંદીની ખાણો છે.
ત્યાં સોનું ગાળી તેને શુદ્ધ બનાવવા માટે એક જગા છે.
2લોઢું જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે,
અને પિત્તળ ખડકમાંથી ગાળવામાં આવે છે.
3માણસ અંધકારને ભેદે છે, કાળમીંઢ ખડકોને ખોદી કાઢે છે,
ખાણમાં ઊંડાઁમાં ઊંડે ઊતરીને કઇંક શોધી કાઢે છે.
4ખનીજ ધાતુની શિરાના ચિહન દ્વારા કામદારો જમીનની અંદર નીચે ઊંડાણમા ખોદે છે.
તેઓ, લોકો રહે છે તેનાથી દૂર એવી જગ્યાએ જયાં કોઇ કદી ગયું નથી ત્યાં રહે છે.
તેઓ જમીનમાં નીચે ઊંડા ઊતરે છે.
5ધરતીની ઉપર અનાજ ઊગે છે
પણ નીચે તો બધું અલગ જ છે
જાણે અગ્નિથી ઓગળી ગયું હોય એમ થાય છે.
6તેના ખડકોમાંથી નીલમણિઓ મળે છે,
અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે.
7શિકારી બાજ પક્ષીની આંખે પણ તે જમીનની નીચેનો રસ્તો દેખાતો નથી.
શિકારી પક્ષી પણ તે રસ્તો જાણતા નથી.
8વિકરાળ પશુ પણ ત્યાં પહોંચ્યુ નથી.
મદોન્મત સિંહના પગ પણ ત્યાં પડ્યા નથી.
9પરંતુ લોકો જાણે છે, કેવી રીતે અચલ ખડકોને કોતરી કાઢવા
અને પર્વતોના મૂળિયાઓને કેવી રીતે ઊખાડી નાખવા.
10તેઓ ખડકોમાં ભોંયરાઓ ખોદી
અને બધા ખડકોના ખજાનાઓ જુએ છે.
11તેઓ નદીઓના મૂળ શોધી કાઢે છે
અને છૂપાયેલી વસ્તુઓને પ્રકાશમાં લાવે છે.
12“પરંતુ તમને જ્ઞાન ક્યાંથી મળે?
સમજશકિત ક્યાં મળી શકે?
13આપણે જાણતા નથી કે જ્ઞાન કેટલું કિંમતી છે.
પૃથ્વીપરના લોકો ધરતીમાં ખોદીને જ્ઞાન મેળવી શકતા નથી.
14ઊંડાણ કહે છે, ‘એ અમારી પાસે પણ નથી.’
મહાસાગરો કહે છે, ‘એ અમારી પાસે નથી.’
15તે સોનાથી ખરીદી શકાય નહિ.
આખી દુનિયામાં અનુભૂત જ્ઞાન ખરીદવા માટે ચાંદી પર્યાપ્ત નથી.
16ઓફીરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ
કે નીલમને ધોરણે તેની કિંમત થાય નહિ.
17સોના કે હીરા સાથે તેની તુલના થઇ શકે તેમ નથી.
કે સોનાના પાત્રથી પણ તે ખરીદી શકાય તેમ નથી.
18એની આગળ પરવાળાં કે રત્નની કોઇ તુલના થાય તેમ નથી.
જ જ્ઞાનની કિંમત તો માણેકથી પણ વધુ ઊંચી છે.
19કૂશ દેશના પોખરાજ પણ અનુભૂત જ્ઞાન જેટલા કિંમતી નથી.
શુદ્ધ સુવર્ણથી પણ તમે અનુભૂત જ્ઞાન ખરીદી શકો નહિ.
20“તો અનુભૂત જ્ઞાન ક્યાંથી આવે છે?
આપણને સમજશકિત ક્યાંથી મળી શકે?
21અનુભૂત જ્ઞાન પૃથ્વી પરની દરેક સજીવ વસ્તુથી છૂપાયેલું છે.
આકાશના પક્ષી પણ અનુભૂત જ્ઞાનને જોઇ શકતા નથી.
22વિનાશ તથા મૃત્યુ કહે છે કે,
‘અમે અમારા કાનોએ
તેની અફવા સાંભળી છે.’
23દેવ જ તે તરફનો માર્ગ જાણે છે,
એને એના રહેઠાણની ખબર છે.
24કારણકે એને ધરતીના છેડાની જાણ છે,
આકાશની નીચે જે કઇં છે તે બધું એ જોઇ શકે છે.
25જ્યારે દેવ પવનનું વજન કરે છે
અને તે પાણીને માપથી નાખે છે.
26જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો
અને મેઘર્ગજીત વાવાઝોડાનો માર્ગ નક્કી કર્યો,
27તે વખતે દેવે અનુભૂત જ્ઞાન જોયું હતું. અને તે વિશે ધ્યાનપૂર્વક વિચાર્યુ.
દેવે જોયું હતું અનુભૂત જ્ઞાનની કેટલી મહત્તા હતી અને તે મંજૂર કર્યું.
28તેણે માણસને કહ્યું,
‘યહોવાનો ડર અને તેમનો આદરભાવ કરવો એ જ અનુભૂત જ્ઞાન છે.
દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.’ ”