22
પછી દાઉદે કહ્યું, “આ યહોવાનું મંદિર છે અને આ ઇસ્રાએલ માટેની દહાનાર્પણની વેદી છે.”
મંદિરના બાંધકામની તૈયારી
દાઉદે ઇસ્રાએલ રહેતા બધા વિદેશીઓને ભેગા કરવાનો હુકમ આપ્યો. અને તેમને દેવનું મંદિર બાંધવા માટે પથ્થરો ઘડવા સલાટ તરીકે કામે લગાડી દીધા. તેણે બારણાં માટે ખીલા અને મિજાગરા બનાવવા પુષ્કળ લોઢું ભેગું કર્યુ અને જોખ્યું જોખાય નહિ એટલું કાંસુ, અને પાર વગરનું દેવદારનું લાકડું પણ ભેગું કર્યું. સિદોન અને તૂરના લોકો દાઉદ માટે પુષ્કળ દેવદારનુ લાકડું લઇ આવ્યા હતા.
દાઉદે જણાવ્યું, “મારો પુત્ર સુલેમાન યુવાન અને બિનઅનુભવી છે. યહોવા માટે જે મંદિર બાંધવાનું છે તે ખૂબ ભવ્ય અને દેશવિદેશમાં વિખ્યાત થવું જોઇએ. એટલે તેના માટે બધો જ સામાન મારે જ ભેગો કરવો જોઇએ.” આથી તેણે પોતાના મૃત્યુ પહેલા બાંધકામની સર્વ સામગ્રી એકઠી કરી તૈયાર કરી નાખી.
પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને બોલાવી, ઇસ્રાયેલના દેવ યહોવા માટે એક મંદિર બાંધવાની આજ્ઞા કરી. તેણે કહ્યું, “પુત્ર મેં યહોવા દેવને માટે મંદિર બાંધવાનો નિશ્ચય કર્યો હતો. પણ યહોવાએ મને કહ્યું, ‘તે મારા દેખતાં પુષ્કળ ખૂનરેજી કરી છે અને મોટાં યુદ્ધો કર્યા છે, એટલે તારે મારા માટે મંદિર બાંધવાનું નથી; પણ તને એક પુત્ર થશે; તે શાંતિપૂર્વક રાજ્ય કરશે, કારણકે આસપાસના શત્રુ દેશો તરફથી હું તેને સુરક્ષિત બનાવીશ. તેને સુલેમાન નામ અપાશે અને તેના રાજ્યકાળ દરમ્યાન ઇસ્રાએલ શાંતિ અનુભવશે. 10 તે મારે માટે મંદિર બાંધશે. તે મારો પુત્ર થશે અને હું તેનો પિતા થઇશ, અને હું ઇસ્રાએલમાં તેનું શાસન કાયમ કરીશ.’
11 “હવે, પુત્ર સુલેમાન, ભલે તમારા દેવ યહોવા તને સહાય કરે અને તેણે કહ્યા પ્રમાણે એમનું મંદિર બાંધવામા તને સફળતા મળે તે માટે આશીર્વાદ આપે. 12 તારા દેવ યહોવા તને શાણપણ અને વિવેકબુદ્ધિ આપે જેથી તે તને ઇસ્રાયેલમાં રાજ્યસત્તા આપે ત્યારે તું એના નિયમ મુજબ રાજ્ય ચલાવે. 13 યહોવાએ ઇસ્રાયેલને માટે મૂસાને જે નિયમો અને કાનૂનો જણાવેલાં છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરશે તો જ તું સફળ થશે. બળવાન થજે, મક્કમ રહેજે. હિંમત હારીશ નહિ કે ગભરાઇશ નહિ.
14 “મેં પુષ્કળ મહેનત કરીને યહોવાના મંદિર માટે 3,750 ટન સોનું, 37,500 ટન ચાંદી, અને જોખ્યું જોખાય નહિ તેટલું કાંસુ અને લોઢું એકઠાં કર્યા છે. લાકડાં અને પથ્થર પણ મેં ભેગા કર્યા છે, પણ તારે થોડા વધારે એકઠાં કરવા પડશે. 15 તારી પાસે પુષ્કળ કારીગરો છે, સલાટો, કડીયાઓ, સુથારો 16 અને સોનાચાંદીના અને કાંસાના તથા લોઢાના બધી જાતના કામમાં અસંખ્ય કારીગરો પણ છે. માટે હવે કામ શરૂ કરી દે અને યહોવા તને સહાય કરો.”
17 પછી દાઉદે ઇસ્રાએલના સર્વ આગેવાનોને આજ્ઞા કરી કે તેઓ તેના પુત્રને આ કાર્યમાં મદદ કરે. 18 વળી તેણે કહ્યું, “યહોવા તમારા દેવ તમારી સાથે છે. આસપાસની પ્રજાઓ સાથે તેમણે તમને શાંતિ આપી છે, કારણકે યહોવાના નામમાં અને તેમના લોકોને માટે મેં તેઓ પર જીત મેળવી છે. 19 આથી હવે પૂરા હૃદયથી યહોવા, તમારા દેવના હૂકમોને પાળો. ઊભા થાવ અને યહોવા આપણા દેવ માટે પવિત્રસ્થાન બનાવો. ટૂંક સમયમાં તમે યહોવાના કરારકોશને અને દેવના પવિત્ર વાસણોને મંદિરમાં લાવશો જે યહોવાને નામે સમપિર્ત કરવામાં આવશે.”