અગ્રીપા સમક્ષ પાઉલ
26
અગ્રીપાએ પાઉલને કહ્યું, “તું હવે તારા બચાવમાં કહી શકે છે.” પછી પાઉલે તેનો હાથ ઊચો કર્યો અને બોલવાનું શરું કર્યુ. તેણે કહ્યું, “હે રાજા અગ્રીપા, મારા વિરૂદ્ધ યહૂદિઓએ જે બધા આરોપો મૂક્યા છે તે બધાનો હું જવાબ આપીશ. હું માનું છું કે હું ભાગ્યશાળી છું કે આજે હું તમારી સમક્ષ અહી ઊભો રહીને આ કરીશ. મને તારી સાથે વાત કરવાનો ઘણો આનંદ છે કારણ કે તમે બધા યહૂદિઓના રિવાજો તથા બાબતો જેના વિષે યહૂદિઓ દલીલો કરે છે તે વિષે તમે માહિતગાર છો. કૃપા કરીને ધીરજપૂર્વક મને ધ્યાનથી સાંભળો.
“બધાજ યહૂદિઓ મારા આખા જીવન વિષે જાણે છે. શરુંઆતથી મારા પોતાના દેશમાં અને પાછળથી યરૂશાલેમમાં હું જે રીતે જીવતો હતો તે તેઓ જાણે છે. આ યહૂદિઓ મને લાંબા સમયથી જાણે છે. જો તેઓ ઇચ્છે તો, તેઓ તેમને કહી શકશે કે, હું એક સારો ફરોશી હતો. અને ફરોશીઓ અમારા ધર્મના નિયમોનું પાલન, યહૂદિ લોકોના બીજા સમૂહો કરતાં વધારે કાળજીપૂર્વક કરે છે. હમણાં હું ન્યાય માટે ઊભો છું. કારણ કે દેવે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તેમા મને આશા છે. આ તે વચન છે કે આપણા લોકોની બાર જાતિઓ તે પ્રાપ્ત કરવાની આશા રાખે છે. આ આશૅંથી યહૂદિઓ રાત દિવસ દેવની સેવા કરે છે. મારા રાજા, યહૂદિઓએ મારા ઉપર તહોમત મૂક્યાં છે કારણ કે હું પણ એ જ વચનની આશા રાખું છું. શા માટે તમે લોકો વિચારો છો કે મૃત્યુ પામેલા લોકોને દેવ ઉઠાડે છે તે અસંભવિત છે?
“જ્યારે હું એક ફરોશી હતો, ત્યારે મેં વિચાર્યુ હતું કે નાઝરેથના ઈસુના નામ વિરૂદ્ધ મારે ઘણું કરવું જોઈએ. 10 અને યરૂશાલેમમાં મેં વિશ્વાસીઓની વિરૂદ્ધ ઘણું કર્યુ. પ્રમુખ યાજકોએ મને આમાંના ઘણા લોકોને કારાવાસમાં પૂરવાનો અધિકાર આપ્યો હતો. જ્યારે ઈસુના શિષ્યોને મારી નાખવામાં આવતા હતા. હું સંમત થતો કે તે એક સારી બાબત હતી. 11 પ્રત્યેક સભાસ્થાનમાં મેં તેઓને શિક્ષા કરી. મેં તેઓની પાસે ઈસુની વિરૂદ્ધમાં ખરાબ કહેવડાવવા પ્રયત્ન કર્યો. હું આ લોકોની વિરૂદ્ધ એટલો બધો ગુસ્સે થયો હતો કે મેં બીજા શહેરોમાં જઈને તેઓને શોધીને તેઓને ઇજા પહોંચાડી.
ઈસુના દર્શન વિષે પાઉલનું કથન
12 “એક વખતે મુખ્ય યાજકોએ મને દમસ્ક જવા માટેની સત્તા અને પરવાનગી આપી. 13 હું દમસ્કના માર્ગ પર હતો. હે રાજા! બપોરનો સમય હતો. મેં આકાશમાંથી પ્રકાશ જોયો. તે પ્રકાશ સૂર્યથી પણ વધારે તેજસ્વી હતો. તે તેજ મારી ચારે બાજુ અને જે માણસો મારી સાથે મુસાફરી કરતાં હતા તેઓના પર પ્રકાશ્યું. 14 અમે બધા જમીન પર પડી ગયા. પછી મેં એક વાણી યહૂદિ ભાષામાં સાંભળી. તે વાણીએ કહ્યું, ‘શાઉલ, શાઉલ તું મને કેમ સતાવે છે? મારી સાથે લડવામાં તું તારી જાતને જ નુકસાન કરી રહ્યો છે.’
15 “મેં કહ્યું, ‘પ્રભુ! તું કોણ છે?’
“પ્રભુએ કહ્યું, ‘હું ઈસુ છું. તું જેને સતાવે છે તે હું છું. 16 ઊભો થા! મારો સેવક થવા માટે મેં તને પસંદ કર્યો છે. તું મારો સાક્ષી થશે-તેં આજે મારા વિષે જોયું છે. અને પછી હું તને જે બતાવીશ તે તું લોકોને કહીશ. તેના કારણે હું આજે તારી પાસે આવ્યો છું. 17 હું તારા પોતાના લોકોથી તને ઇજા થવા દઇશ નહિ. અને હું તારું બિનયહૂદિઓથી પણ રક્ષણ કરીશ. હું આ લોકો પાસે તને મોકલું છું. 18 તું તે લોકોને સત્ય બતાવ. લોકો અંધકારમાંથી અજવાળામાં પાછા ફરશે. પછી તેઓ શેતાનની સત્તામાંથી પાછા ફરી દેવ તરફ પાછા ફરશે. પછી તેઓના પાપ માફ કરવામાં આવશે. જે લોકો મારામાં વિશ્વાસ રાખીને પવિત્ર થયા છે તેઓ તેમાં ભાગીદાર થશે.’”
પાઉલ તેના કાર્ય વિષે કહે છે
19 પાઉલે બોલવાનું ચાલુ રાખ્યું: “રાજા અગ્રીપા, જ્યારે મેં આ આકાશી દર્શન જોયું, પછી મેં તેની આજ્ઞા માની. 20 મેં લોકોને કહેવાનું શરું કર્યુ. તેઓએ પસ્તાવો કરવો જોઈએ અને દેવ પાસે પાછા ફરવું જોઈએ. મેં તે લોકોને કહ્યું કે તેઓએ ખરેખર પસ્તાવો કર્યો છે તે દર્શાવવા તેવાં કામો કરવાં જોઈએ. મેં સર્વ પ્રથમ આ વસ્તુઓ દમસ્કના લોકોને કહી. પછી હું યરૂશાલેમના તથા યહૂદિઓના દરેક ભાગમાં ગયો અને આ વાતો ત્યાં લોકોને કહી અને બિનયહૂદિ લોકો પાસે પણ હું ગયો.
21 “આ કારણથી જ યહૂદિઓએ મને પકડીને અને મંદિરમાં મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. 22 પણ દેવે મને મદદ કરી અને હજુ આજે પણ તે કરે છે. હું અહીં ઊભો છું કારણ કે મને દેવની મદદ મળી છે અને મેં જે કંઈ જોયું છે તે બધું લોકોને હું કહું છું. પણ હું કશું પણ નવું કહેતો નથી. મૂસાએ અને પ્રબાધકોએ કહ્યું છે કે તે થશે એ જ વાત હું કહું છું. 23 તેઓએ કહ્યું છે કે ખ્રિસ્ત મૃત્યુ પામશે અને તે પ્રથમ જ મૃત્યુમાંથી પુનરુંત્થાન પામશે. મૂસાએ અને પ્રબાધકોએ કહ્યું છે કે ખ્રિસ્ત યહૂદિ લોકો અને બિનયહૂદિ લોકો માટે પ્રકાશ લાવશે.”
પાઉલનો અગ્રીપાને સમજાવવાનો પ્રયત્ન
24 જ્યારે પાઉલ તેની જાતે બચાવમાં આ વાતો કહેતો હતો ત્યારે ફેસ્તુસે પોકાર કર્યો, “પાઉલ, તું ઘેલો છે! વધુ પડતી વિધાએ તને ઘેલો બનાવ્યો છે!”
25 પાઉલે કહ્યું, “નેકનામદાર ફેસ્તુસ, હું ઘેલો નથી. હું જે વાતો કહું છું તે સાચું છે. મારાં વચનો એ એક મૂર્ખ માણસનાં વચનો નથી. હું ગંભીર છું. 26 રાજા અગ્રીપા આ વસ્તુઓ વિષે જાણે છે કે હું તેની સાથે મુક્ત રીતે વાત કરી શકું છું. હું જાણું છું કે તેણે આ બધી વાતો વિષે સાંભળ્યું છે. શા માટે? કારણ કે આ વાતો જ્યાં બધા લોકો જોઈ શકે ત્યાં બને છે. 27 રાજા અગ્રીપા, પ્રબોધકોએ જ લખ્યું છે તે વાતોમાં તને વિશ્વાસ છે? હું જાણું છું કે તું વિશ્વાસ કરે છે!”
28 રાજા અગ્રીપાએ પાઉલને કહ્યું, “તું એમ વિચારે છે કે મને આટલી સહેલાઇથી ખ્રિસ્તી થવા માટે સમજાવી શકીશ?”
29 પાઉલે કહ્યું, “એ બહુ મહત્વનું નથી કે તે સહેલું છે કે કઠિન છે, હું દેવને પ્રાર્થના કરું છું કે માત્ર તું જ નહિ પરંતુ પ્રત્યેક વ્યકિત્ જે આજે મને ધ્યાનથી સાંભળે છે તેઓ બચાવાશે-મારે જે બેડીઓ છે તે સિવાય મારા જેવા થશે!”
30 રાજા અગ્રીપા, હાકેમ ફેસ્તુસ, બરનિકા, અને તેઓની સાથે બેઠેલા બધા લોકો ઊભા થઈ ગયા. 31 અને ખંડ છોડી ગયા. તેઓ એક બીજા સાથે વાતો કરતા હતા. તેઓએ કહ્યું, “આ માણસને દેહાંતદંડ કે કારાવાસમાં નાખવો જોઈએ નહિ, ખરેખર તેણે કંઈ ખોટું કર્યું નથી!” 32 અને અગ્રીપાએ ફેસ્તુસને કહ્યું, “જો તેણે કૈસર પાસે દાદ માંગી ના હોત તો આપણે આ માણસને જવા માટે મુક્ત કરી શક્યા હોત.”