દેવના કોપથી સાત પ્યાલા ભરાયા
16
1 પછી મેં મંદિરમાથી મોટા સાદે વાણી સાંભળી. તે વાણીએ સાત દૂતોને કહ્યું, કે “જાઓ અને દેવના પૂર્ણ કોપથી ભરેલા સાત પ્યાલા પૃથ્વી પર રેડી દો.”
2 પ્રથમ દૂતે જગ્યા છોડી. તેણે તેનું પ્યાલું જમીન પર રેડી દીધું. પછી બધા લોકો જેઓના પર પ્રાણીની છાપ હતી અને જેઓએ તેની મૂર્તિની પૂજા કરી તેઓને પીડાકારક અને ત્રાસદાયક ગુમડાં થયાં.
3 બીજા દૂતે તેનું પ્યાલું સમુદ્ર પર રેડી દીધું. પછી તે સમુદ્ર મૃત્યુ પામેલા એક માણસના લોહીના જેવો થઈ ગયો. સમુદ્રમાંના દરેક જીવંત પ્રાણી મૃત્યુ પામ્યાં.
4 તે ત્રીજા દૂતે તેનું પ્યાલું નદીઓ તથા પાણીના ઝરાઓ પર રેડી દીધું. તે નદીઓ અને તે ઝરાઓ લોહી થઈ ગયા.
5 પછી મેં પાણીના દૂતને દેવને એમ કહેતા સાંભળ્યો કે:
“તું તે એક છે, જે છે, અને હંમેશા હતો.
તું પવિત્ર છે,
તું જે ન્યાય કરે છે તે યોગ્ય છે.
6 તે લોકોએ તારા સંતોનું, અને તારા પ્રબોધકોનું, લોહી વહેવડાવ્યું છે.
હવે તેં પેલા લોકોને લોહી પીવા આપ્યું છે.
તેઓ એ માટે લાયક છે.”
7 અને મેં વેદીને એમ કહેતાં સાભળી કે:
“હા, પ્રભુ દેવ, સર્વશક્તિમાન,
તારા ન્યાયના ચૂકાદા સત્ય તથા યથાર્થ છે.”
8 તે ચોથા દૂતે તેનું પ્યાલું સૂર્ય પર રેડી દીધું. તે સૂર્ય ને અગ્નિથી લોકોને બાળી નાખવાની શક્તિ આપવામા આવી.
9 તે લોકો અતિશય ગરમીથી દાઝી ગયા હતા. તે લોકોએ દેવના નામની નિંદા કરી. જે દેવનો આ વિપત્તિઓ પર કાબુ છે. પરંતુ તે લોકોએ પસ્તાવો કર્યો નહિ તથા દેવને મહિમા આપ્યો નહિ.
10 તે પાંચમા દૂતે તેનું પ્યાલું પ્રાણીના રાજ્યાસન પર રેડી દીધું. અને પ્રાણીના રાજ્યમાં અંધકાર છવાઈ ગયો. લોકોએ વેદનાને કારણે તેઓની જીભ કરડી.
11 લોકોએ પોતાના દુ:ખોના અને પોતાને પડેલા ઘા ને કારણે આકાશના દેવની નિંદા કરી. પણ તે લોકોએ પસ્તાવો કરવાની તથા તેઓએ પોતે કરેલાં ખરાબ કામોમાંથી પાછા ફરવાની ના પાડી.
12 તે છઠ્ઠા દૂતે તેનું પ્યાલું મહાન નદી યુફ્રેટિસ પર રેડી દીધું. નદીમાં પાણી સુકાઈ ગયું. આથી પૂર્વના રાજાઓ માટે આવવાનો માર્ગ તૈયાર થયો.
13 પછી મેં ત્રણ અશુદ્ધ આત્માઓ જે દેડકાઓ જેવા દેખાતા હતા તે જોયાં. તેઓ અજગરના મુખમાથી, તે પ્રાણીના મુખમાંથી, અને ખોટા પ્રબોધકના મુખમાથી બહાર આવ્યા.
14 (આ અશુદ્ધ આત્માઓ શેતાનના આત્માઓ તરફથી છે. તેઓ પાસે ચમત્કારો કરવાની શક્તિ છે. આ દુષ્ટ આત્માઓ આખી દુનિયાના રાજાઓ પાસે જવા નીકળ્યા. જેઓ સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઇને માટે રાજાઓ ને ભેગા કરવા બહાર નીકળ્યા.)
15 “ધ્યાનથી સાંભળ! અચાનક એક ચોર આવે છે, તેવી રીતે હું આવું છું. તે વ્યક્તિને ધન્ય છે જે તેનાં વસ્ત્રો તેની પાસે રાખે છે અને જાગૃત રહે છે. જેથી તેને વસ્ત્રો વિના બહાર જવું ન પડે. અને લોકો એવું તો નહિ જુએ કે જે જોવાથી તેમને શરમાવું પડે.”
16 પછી તે અશુદ્ધ આત્માઓએ રાજાઓને એક જગ્યાએ ભેગા કર્યા. જે હિબ્રૂ ભાષામાં હર-મગિદોન કહેવાય છે.
17 પછી સાતમા દૂતે રાજગાદી પરથી મંદિરની બહાર તેનું પ્યાલું હવામા રેડી દીધું. રાજ્યાસનમાંથી મંદિરની બહાર એક મોટા સાદે વાણી બહાર આવી. તે વાણીએ કહ્યું કે; “તે પૂર્ણ થયું છે!”
18 પછી ત્યાં વીજળીની જવાળાઓ, ગર્જનાઓ, ઘોંઘાટો સાથે એક મોટો ધરતીકંપ થયો. આવો મોટો ધરતીકંપ કદી પણ થયો હતો. પૃથ્વી પર જ્યારથી લોકો ઉત્પન્ન થયા, ત્યારથી આજ સુધી આવું બન્યું ન હતું.
19 તે મહાન શહેર ત્રણ ભાગમા વહેંચાઇ ગયું. રાષ્ટ્રોનાં તે શહેરનો નાશ થયો હતો. અને દેવ મહાન બાબિલોનને શિક્ષા કરવાનું ભૂલ્યા નહિ. તે શહેરને તેના ભયંકર કોપના દ્રાક્ષારસનું ભરેલું પ્યાલું આપ્યું.
20 દરેક ટાપુ અદૃશ્ય થઈ ગયા. અને ત્યાં કોઈ પર્વત રહયો ન હતો.
21 રાક્ષસી કરા આકાશમાંથી લોકો પર પડ્યા. આ કરા લગભગ 100 પૌંડના વજનના હતા. લોકોએ આ કરાની મુસીબતોને કારણે દેવની નિંદા કરી; કેમ કે આ મુસીબત ભયંકર હતી.