યાજકોનાં ઓરડા
42
1 પછી પેલો માણસ મને બહારના ચોકમાં લઇ ગયો અને ત્યાંથી તે મને ઉત્તરી દરવાજેથી લઇ ગયો અને ઉત્તરી બાજુના મકાન તરફની બહારના પ્રાંગણની સામેના ઓરડાઓમાં લઇ આવ્યો.
2 ઉત્તરી દરવાજા પાસેના મકાનની પહોળાઇ 50 હાથ અને લંબાઇ 100 હાથ હતી.
3 આ ઇમારતની એક બાજુ, મંદિરની ફરતે 20 હાથની ખુલ્લી જગ્યા તરફ પડતી હતી અને બીજી બાજુ બહારના પ્રાંગણની ફરસબંધી તરફ પડતી હતી, એને ત્રણ માળ હતાં અને દરેક માળ નીચેના માળ કરતાં થોડો અંદર લીધેલો હતો.
4 આ ઇમારતની ઉત્તર બાજુએ 10 હાથ પહોળી અને 100 હાથ લાંબી પરસાળ હતી. મકાનના બારણાં ઉત્તરની બાજુએ પરસાળ તરફ હતાં.
5 ઉપલાં માળની ઓરડીઓ વચલા માળની અને ભોંયતળિયાની ઓરડીઓ કરતાં સાંકડી હતી, કારણ, ઓસરીને લીધે જગ્યા કપાઇ જતી હતી.
6 આ ઓસરીઓને ચોકમાંના બીજા મકાનોની જેમ થાંભલાનો ટેકો ન હતો.
7 એ ઓરડીઓની સમાંતર બહારના ચોક તરફ 50 હાથ એક ભીત હતી.
8 બહારના ચોક તરફ આવેલ ઓરડીની હારની લંબાઇ 50 હાથ હતી, અને મંદિર તરફ આવેલ ઓરડીઓની હારની લંબાઇ 100 હાથ હતી.
9 બહારના ચોકમાંથી આ ઓરડીઓમાં પ્રવેશતા એમની નીચે થઇને પૂર્વ બાજુએ પ્રવેશવાનું હતું.
10 મંદિરની પૂર્વ તરફ આવેલી ઇમારતની દક્ષિણ બાજુએ પણ ઉત્તરના જેવી જ એક બીજી ઇમારત હતી.
11 એની ઓરડીઓ આગળ ઉત્તર બાજુની ઇમારત માફક જ એક પરસાળ હતી. એનું માપ, એની રચના અને એનાં બારણાં ઉત્તર બાજુની ઇમારત જેવા જ હતાં.
12 એ ઇમારતની દક્ષિણ બાજુએ પૂર્વને છેડે જ્યાંથી ભીંત શરૂ થતી હતી ત્યાં બહારના ચોકમાં જવાનું બારણું હતું.
13 પેલા માણસે મને કહ્યું, “આ બંને ઇમારતો પવિત્ર છે, એમાં યહોવાની સેવા કરનાર યાજકો પરમપવિત્ર અર્પણો ખાય છે એટલે કે યાજકો એમાં ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો અને દોષાર્થાર્પણો મૂકે છે.
14 મંદિરમાં એકવાર પ્રવેશ્યા પછી યાજકોએ બહારના ચોકમાં જવું હોય તો તેમના વસ્ત્રો ઉતારી આ ઓરડીઓમાં મૂકવાના, કારણ કે તે વસ્ત્રો પવિત્ર છે લોકો પ્રવેશી શકે એ જગ્યાએ તેઓ જાય ત્યારે તેઓએ બીજા વસ્ત્રો પહેરવાં.”
મંદિરનાં બહારનો ભાગ
15 જ્યારે તેણે મંદિરની અંદરના ભાગનું માપ લેવાનું પૂરૂ કર્યું ત્યારે તે મને પૂર્વના દરવાજામાંથી બહાર લઇ ગયો અને પછી ચારે બાજુનું માપ લેવા લાગ્યો.
16 તેણે માપદંડ લીધો અને પૂર્વ બાજુ માપી; તે 500 હાથ હતી.
17 તેણે માપદંડથી ઉત્તર બાજુ માપી; તે 500 હાથ હતી.
18 તેણે માપદંડથી દક્ષિણ બાજુ માપી; તે 500 હાથ હતી.
19 તેણે માપદંડથી પશ્ચિમ બાજુ માપી; તે 500 હાથ હતી.
20 આમ તેણે ચારેબાજુનો વિસ્તાર માપ્યો. એ ભીતથી ઘેરાયેલો ભાગ ચોરસ હતો અને તેની દરેક બાજુ 500 હાથ લાંબી હતી. ભીંત મંદિરના પવિત્ર વિસ્તારને બાકીના વિસ્તારથી જુદી પાડતી હતી.