સંપત્તિ કરતાં શ્રેષ્ઠ જ્ઞાન છે
7
મૂલ્યવાન અત્તર કરતાં મનુષ્યની સારી શાખ અતિ મૂલ્યવાન છે.
મનુષ્યનાં જન્મદિન કરતાં તેનો મૃત્યુદિન વધારે સારો છે.
ઉત્સવોની ઉજવણીમાં સમય બગાડવો તેનાં કરતાં દફનવિધીમાં પસાર કરવો તે વધુ સારું છે.
કારણ કે પ્રત્યેક વ્યકિતએ એક દિવસ મરવાનું છે.
સમય છે તો તે વિષે વિચારવું વધારે સારું છે.
દુ:ખ એ હાસ્ય કરતા વધારે સારું છે.
મોઢા પરનું દુ:ખ અંત:કરણને શુદ્ધ બનાવે છે.
જ્ઞાની મનુષ્ય પોતાના મૃત્યુ વિષે વધારે વિચારે છે.
મૂર્ખ પોતાના વર્તમાનને સારી રીતે માણવામાં મગ્ન રહે છે.
મૂર્ખ મનુષ્ય આપણી પ્રશંસા કરે તેનાં કરતાં જ્ઞાની
માણસ આપણને ઠપકો આપે તે વધારે સારું છે!
કારણ કે જેમ અગ્નિમાં કાંટા ઝડપથી સળગી જાય છે
તેમ મૂર્ખનું હાસ્ય લાંબો સમય ટકતું નથી, એ વ્યર્થ પણ છે.
ખરેખર લાંચથી ડાહ્યો મનુષ્ય મૂર્ખ બને છે;
તે તેની સમજશકિતનો નાશ કરે છે.
કોઇ બાબતના આરંભ કરતાં તેનો અંત સારો છે;
અને અભિમાની મનુષ્ય કરતાં મનનો ધૈર્યવાન મનુષ્ય સારો છે.
ક્રોધ કરવામાં કદી ઉતાવળા ન થવું – તે તો મૂર્ખતાની નિશાની છે.
ક્રોધ મૂખોર્ના હૃદયમાં રહે છે.
10 “ભૂતકાળનાં દિવસો હાલનાં કરતાં વધારે સારા શા માટે હતા,”
એમ નહિ કહો કારણ કે આ વિશે પૂછવા માટે તમને પ્રેરે છે
તે ડહાપણ ભરેલું નથી.
11 બુદ્ધિ વારસા જેવી છે; અને જીવવા માટે તે વધુ ઉત્તમ છે. 12 દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે; પરંતુ જ્ઞાનની ઉત્તમતા એ છે કે, તે પોતાના માલિકના જીવનની રક્ષા કરે છે.
13 દેવનાં કામનો વિચાર કરો; જે તેણે વાંકુ કર્યુ છે, તેને સીધું કોણ કરી શકશે? 14 ઉન્નતિનાં સમયે આબાદીનો આનંદ માણો. વિપત્તિકાળે વિચાર કરો; દેવ આપણને સુખ-દુ:ખ બંને આપે છે. જેથી દરેકને અનુભૂતિ થાય કે ભવિષ્યમાં શું થશે તે માણસ શોધી શકતો નથી.
લોકો ખરેખર સારા નથી થઇ શકતા
15 આ બધું મેં મારા જીવનનાં વ્યર્થપણામાં જોયું છે. કેટલાક સારા માણસો નેક પણું હોવા છતાં યુવાનવયે જ મૃત્યુ પામે છે, જ્યારે કેટલાંક દુષ્ટ લોકો દુષ્ટતામાં રાચીને પણ લાંબુ આયુષ્ય ભોગવે છે. 16 તેથી તમે વધુ પડતાં નેક ન થાઓ કે વધુ પડતાં ડાહ્યાં ન થાઓ! શા માટે પોતાનો વિનાશ નોતરવો? 17 અતિશય દુષ્ટ ન થાઓ તેમજ મૂર્ખ પણ ન થાઓ! શા માટે અકાળે મોત નોતરવું?
18 તમારે જે કરવાના જ છે તે સર્વ કાર્યો તમે કરો; એવું ન થવું જોઇએ કે તમે એક કાર્ય કરો અને બીજું પડતું મૂકો અને જો તમે દેવનો ડર રાખો, તો તમે બંને કરવામાં સફળ થશો. 19 દશ અમલદારો નગરમાં હોય તેનાં કરતાં જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શકિતશાળી બનાવે છે. 20 સમગ્ર વિશ્વમાં એક પણ માણસ એવો નથી જે હંમેશા સારું જ કરતો હોય અને કદીય તેણે પાપ ના કર્યુ હોય.
21 કોઇ લોકો જે કહે તે દરેક વાત સાંભળવી નહિ, અથવા તો તમારે તમારા નોકરને તમારી વિષે બૂરું બોલતાં સાંભળવો જોઇએ! 22 કારણ કે તમારું અંત:કરણ જાણે છે કે તમે કેટલીય વાર બીજાની વિરૂદ્ધ બોલો છો!
23 મેં હોશિયાર થવા મારાથી શક્ય સર્વ પ્રયત્નો કર્યા છે; મેં જાહેર કર્યુ કે, હું બુદ્ધિમાન થઇશ; પણ તે વાત મારાથી દૂર રહી. 24 ડહાપણ ઘણે દૂર અને અતિશય ઊંડુ છે, તેને મેળવવું ઘણું મુશ્કેલ છે. તેનો પાર કોણ પામી શકે? 25 મેં જ્ઞાનની શોધમાં મારું મન લગાડ્યું અને સર્વ સ્થળોએ તેને શોધ્યું તેમજ તેનાં કારણો તપાસ્યાં.
જેથી દુષ્ટતા મૂર્ખાઇ છે, અને મૂર્ખામી ગાંડપણ છે તે હું પૂરવાર કરી શકું. 26 તેથી મે જાણ્યું કે મૃત્યુ કરતાં પણ એક વસ્તુ વધારે કષ્ટ દાયક છે, તે છે એક સ્ત્રી, જે એક ફાંસલા અને એક જાળ જેવી છે તથા જેના હાથ સાંકળ સમાન છે તે દેવતુલ્ય વ્યકિતને આકર્ષવાનો પ્રયત્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે; પરંતુ પાપી તેની જાળમાંથી છટકી શકતાં નથી.
27 સભાશિક્ષક કહે છે: “સત્ય શોધી કાઢવા માટે બધી વસ્તુઓને સાથે મેળવીને હું આ નિર્ણય પર આવ્યો છું.” 28 હું જે મેળવી શકતો નથી તે હું શોધ્યાજ કરું છું. માણસોમાં, હજારોમાં એક મને મળ્યો છે, પણ સ્ત્રીઓમાં એક પણ એવી મળી નથી.
29 “અંતે મને ફકત એટલી જ સત્ય હકીકત જાણવા મળી છે કે, દેવે માનવજાતને પ્રામાણિક અને દયાળુ બનાવી છે, પરંતુ તેઓએ ઘણી યુકિતઓ શોધી કાઢી છે.”