સર્વત્ર ત્રાસ અને દુ:ખ
4
1 ત્યારબાદ મેં પાછા ફરીને વિચાર કર્યો, અને દુનિયા પર થતાં ત્રાસ અને દુ:ખ નિહાળ્યાં. ત્રાસ સહન કરનારાઓનાં આંસુ લૂછનાર અને તેમને સાંત્વના આપનાર કોઇ નહોતું; તેઓના પર ત્રાસ કરનારાઓ શકિતશાળી હતાં.
2 તેથી મને લાગ્યું કે જેઓ હજી જીવતાં છે તેઓ કરતાં જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ વધારે સુખી છે;
3 વળી તે બંને કરતાંય જેઓ હજી જન્મ્યાં જ નથી અને જેઓની આંખોએ ત્રાસ અને દુનિયા પર થતાં ભૂંડા કૃત્યો જોયા નથી તે વધારે સુખી છે.
શા માટે આટલો સખત પરિશ્રમ?
4 વળી મેં જોયું કે કાર્ય કરવામાં આવડત અને પરિશ્રમને લીધે માણસ અને તેના પડોશી વચ્ચે ઇર્ષા ઉત્પન્ન થાય છે. એ પણ વ્યર્થ તથા હવામાં બાચકા ભરવાં જેવું છે.
5 મૂર્ખ કામ કરતા નથી અને પોતાની જાત પર બરબાદી લાવે છે.
6 અતિ પરિશ્રમ કરી અને પવનને પણ પકડવાના પ્રયત્નો કરી પુષ્કળ કમાવું તે કરતાં શાંતિસહિત થોડું કમાવું વધારે સારું છે.
7 ત્યારબાદ હું પાછો ફર્યો, અને મેં દુનિયા ઉપર વ્યર્થતા જોઇ.
8 જો માણસ એકલું હોય, અને તેને એક પુત્ર કે એક ભાઇ પણ ન હોય; છતાંય તે વધુ ધન પ્રાપ્ત કરવાં ખૂબ પરિશ્રમ કર્યા કરે છે “તેને સંતોષ નથી પણ આ પરિશ્રમ તે કોના માટે કરે છે? શા માટે તે પોતાને આનંદથી દૂર રાખે છે?” આ સર્વ પરિશ્રમ ફકત અક્કલહીન છે! અને તે ખોટનો ધંધો છે.
મિત્રો અને પરિવારથી શકિત મળે છે
9 એક કરતાં બે ભલા; કારણ કે બંનેએ સાથે મળીને કરેલી મહેનતનું ઘણું વધારે સારું ફળ તેઓને મળે છે.
10 જો બેમાંથી એક પડે તો બીજો તેને મદદ કરે છે; પરંતુ માણસ એકલો હોય, અને તેની પડતી થાય તો તેને મદદ કરનાર કોઇજ મળે નહિ અને ત્યારે તેની સ્થિતિ દયાજનક થાય છે.
11 જો બે જણા સાથે સૂઇ જાય તો તેઓને એક બીજાથી હૂંફ વળે છે. પણ એકલો માણસ હૂંફ કેવી રીતે મેળવી શકે?
12 એકલા માણસને હરકોઇ હરાવે, પણ બે જણ મળીને જીતી શકે છે; ત્રેવડી વણેલી દોરી સહેલાઇથી તૂટતી નથી.
રાજનીતિ અને પ્રસિદ્ધિ
13 કોઇપણ વૃદ્ધ અને મૂર્ખ રાજા કે જે કોઇની સલાહ સાંભળતો ન હોય, તેનાં કરતાં ગરીબ પણ જ્ઞાની યુવાન સારો હોય છે.
14 આ યુવાન જેલમાંથી મુકત થઇને રાજા બની શકે છે. અથવા તે દરિદ્રી પરિવારમાં જન્મ્યો હોય તો પણ રાજા થઇ શકે છે.
15 દુનિયા પરનાં સર્વ મનુષ્યોને મેં જોયા તો તેઓ બધા રાજાના વારસ બનેલા આ યુવાનની સાથે હતાં.
16 અસંખ્ય લોકો તેની સન્મુખ ઊભા હતાં, તો પણ તેના પછીની પેઢીનાં લોકો તેનાથી ખુશ નહોતા. તેથી ખરેખર એ પણ વ્યર્થ અને હવામાં બાચકા ભરવા જેવું છે.