પ્રમુખ યાજકના અભિષેકનું દર્શન 
3
1 ત્યારબાદ દેવદૂતે મને પ્રમુખ યાજક યહોશુઆને યહોવાના દેવદૂત પાસે ઊભેલો બતાવ્યો, અને તેની જમણી બાજુએ તેના ઉપર આરોપ મૂકવા માટે શેતાન ઊભો હતો. 
2 યહોવાના દેવદૂતે શેતાનને કહ્યું, “યહોવા તને ઠપકો આપો, ઓ શેતાન! યરૂશાલેમને પસંદ કરનાર યહોવા તને ઠપકો આપો! આ માણસ અગ્નિમાંથી ઉપાડી લીધેલા ખોયણાઁ જેવો નથી?” 
3 યહોશુઆ ગંદા વસ્ત્રો પહેરીને દેવદૂત પાસે ઊભો હતો. 
4 દેવદૂતે પોતાની આગળ ઊભેલા માણસોને કહ્યું, “એના અંગ પરથી ગંદા વસ્ત્રો ઉતારી નાખો.” અને તેણે યહોશુઆને કહ્યું, “જો, મેં તારા અપરાધો હરી લીધા છે અને હું તને ઊજળાં વસ્ત્રો પહેરાવીશ.” 
5 પછી દેવદૂતે તહેનાતમાં ઊભેલાઓને કહ્યું, “તેને માથે સુંદર સ્વચ્છ પાઘડી મૂકો.” તેથી તેમણે તેને ઊજળાં વસ્ત્રો પહેરાવ્યાં અને તેને માથે સુંદર પાઘડી મૂકી, ને આ વખતે યહોવાનો દેવદૂત પાસે ઊભો હતો. 
6 ત્યારબાદ યહોવાના દૂતે યહોશુઆને જણાવ્યું કે, 
7 આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે: 
“જો તું મારા માર્ગ પર ચાલશે 
અને મારી આજ્ઞા માથે ચડાવશે, 
તો તું મારા મંદિરનો 
તથા તેના ચોકનો મુખ્ય વહીવટદાર થશે 
અને જેઓ મારી આગળ ઊભા છે, 
તેમની જેમ તું મારી પાસે છૂટથી આવી શકશે. 
8 હે પ્રમુખ યાજક યહોશુઆ, 
તું અને તારી મદદમાં રહેનાર યાજકો, હવે સાંભળો, કારણ, 
તમે શું બનવાનું છે તે માટેના ઉદાહરણો છો. 
જુઓ, હું શાખા નામે ઓળખાતા મારા સેવકને લઇ આવીશ. 
9 હું યહોશુઆ સામે એક ખાસ પથ્થર મૂકું છું. 
તે જુઓ, યહોશુઆ સામે મૂકેલા સાત 
આંખ વાળા પથ્થર પર હું આ લખાણ કોતરીશ. 
આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ.” 
10 સૈન્યોનો દેવ યહોવા કહે છે, 
“તે દિવસે તમારામાંનો એકેએક 
જણ પોતાની દ્રાક્ષની વાડી 
અને અંજીરના ઝાડ નીચે 
પોતાના પડોશી સાથે સુખશાંતિમાં રહેશે.”